Monday, January 9, 2017

દમણની એક સાંજ || Mahant Naik ||


  દમણની એક સાંજ
-મહંત નાયક

મણની માદક સંધ્યા ધીરે ધીરે પ્રસરી રહી હતી. એક બારમાં મિલન બેઠો હતો. તેની સામે બિઅરની બૉટલ હતી. આ બીજી બૉટલ હતી. સામે ખુલ્લી જગ્યામાં ચાર બારગર્લ ડાન્સ કરતી હતી અને એક પછી એક કોઈ પિકચરના ગીત ગાતી હતી. એટલામાં એક યુવતીએ ‘શીલા કી જવાની’ ગીત શરૂ કર્યું અને તે યુવતીએ એટલા લહેકાથી ગાયું કે મિલન ખુશ થઈ ગયો. અર્ધા કલાક આવી રીતે ડાન્સ કરીને તે યુવતીઓ જતી રહી અને બીજું ગ્રુપ આવ્યું. મિલન તેની જગ્યા પરથી ઊભો થયો અને મેનેજર પાસે ગયો.
‘મેનેજર સાહેબ, પેલી યુવતી જેણે શીલા કી જવાની ગીત ગાયું હતું તેને મળી શકાય ?’
‘ના, અમારો નિયમ છે કે અમે અમારા ગ્રાહકને કોઈ યુવતીને મળવા દેતા નથી.’
મિલને ધીરે રહીને એક હજારની નોટ ટેબલ પર મૂકી : ‘આ તમારા માટે છે.’
‘હું વ્યવસ્થા કરું છું. તે યુવતી તમારા ટેબલ પર આવશે પણ તેને બહાર લઈ જવાની નહીં.’
‘મંજૂર છે.’
મિલન તેના ટેબલ પર જઈને બેઠો. મેનેજર અંદર ગયો અને પાંચ મિનિટ પછી એ યુવતી મિલનના ટેબલ પાસે આવીને સામેની ખુરશી પર બેઠી.
‘તમારે મારું કોઈ કામ હતું ?’
મિલન તે યુવતીના રૂપને જોઈ રહ્યો. કોઈ પણ સૌંદર્ય સ્પર્ધામાં તેને ઈનામ મળે એવી એ સુંદર હતી.
‘હા. મારે તમારી સાથે થોડી વાતો કરવી છે.’
‘તો ચાલો કરીએ.’
‘એમ નહીં, હું જે હૉટલમાં ઊતર્યો છું, ત્યાં તમે આજે રાત્રે આવો, ત્યાં વાતો કરીએ. હું તમારી જે ફી હશે તે આપી દઈશ.’
‘કઈ હૉટલ ?’
મિલને નામ આપ્યું અને રૂમ નંબર આપ્યો : ‘હું મેનેજરને કહી દઈશ, તે તમને રોકે નહીં.’
‘ભલે.’ અને એ યુવતી ઊભી થઈ.
‘પણ તમારું નામ ?’
‘આર્યા.’
‘તો આર્યા, આજે મળીએ છીએ.’
આર્યાએ બોલ્યા વગર ચાલવા માંડ્યું. મિલનતો ખુશ થઈ ગયો. આટલી જલ્દીથી આ યુવતી હા પાડે, તેનાથી સુખદ આશ્ચર્ય થયું. તે ઝડપથી હૉટલ પર ગયો. મેનેજરને સૂચના આપી, મેનેજરને આવી સૂચનાની નવાઈ ન હતી. રૂમમાં જઈને તેણે સ્નાન કર્યું. પરફ્યૂમનો છંટકાવ શરીર પર અને રૂમમાં કર્યો. બિઅરની બૉટલ અને સૉફટ ડ્રીંકનો ઑર્ડર આપ્યો અને ટી.વી. ચાલુ કરીને બેઠો.

બરાબર નવ વાગ્યે દરવાજા પર ટકોરા પડ્યા. તે ઊભો થયો અને દરવાજો ખોલ્યો. સામે આર્યા હતી.
‘પ્લીઝ, કમ ઈન.’
આર્યા અંદર આવી. તેણે નેવી બ્લ્યુ કલરનું ફ્રૉક પહેર્યું હતું. ઊંચી એડીના સેન્ડલ, છૂટા લહેરાતા ઝૂલ્ફો. મિલન તેના નસીબ પર ખુશ થઈ ગયો. જેવી આર્યા અંદર આવી એટલે મિલને દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કર્યો.
‘પ્લીઝ, દરવાજો ખાલી જ બંધ રાખજો.’
‘ભલે.’
મિલન સોફા પર બેઠો અને આર્યા સામે બેઠી. થોડીક ક્ષણો તો મિલન આર્યાનું રૂપ જોઈ રહ્યો.
‘બોલો શું વાત કરવી હતી ?’
મિલનને સમજ ન પડી કે વાતની શરૂઆત કેવી રીતે કરવી, એટલે તેણે દમણની જિંદગી, તેના બાર અને તેમાં મળતા વિવિધ નોન વેજ. ફિશની વાત કરવા માંડી.
‘એક મિનિટ. તમે બિઅર લેશો કે કંઈક સૉફટ ?’
‘બિઅર.’
‘વેરી ગૂડ.’
મિલને એક બૉટલ ખોલી અને બે ગ્લાસ ભર્યા.
‘ચિઅર્સ.’
– અને હવે આર્યાએ વાત કરવા માંડી. સમય પસાર થતો ગયો. મિલનને સમજ પડતી ન હતી કે કેવી રીતે આગળ વધવું. રાત્રિના બાર વાગ્યા અને આર્યા ઊભી થઈ.
‘ચાલો, બહુ વાતો કરી. મારે હવે જવું પડશે.’
‘પણ….?’
‘પણ….?’
‘કંઈ નહીં. તમારી ફી ?’
‘અરે ! વાતો કરવાની ફી કેવી ?’
અને આર્યાએ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. મિલન બાઘાની જેમ આર્યાને અદશ્ય થતાં જોઈ રહ્યો. તેણે જોરથી હાથ પછાડ્યો. તેને થયું કે તેને જ શરૂઆત કરવામાં મોડું કર્યું હતું. તે બીજે દિવસે પેલા બારમાં ગયો. ફરી એક હજારની નોટ આપી અને આર્યાનું સરનામું માગ્યું. તે દિવસે તો તેને સુરત જવાનું હતું એટલે તે જતો રહ્યો, પણ બીજા શનિવારે તે પાછો આવ્યો અને સીધો જ આર્યાના ઘેર ગયો. તેણે ધાર્યું હતું તેના કરતાં તે મકાન એક વિશાળ બંગલો હતો. કોઈ બહુ જ પૈસાદાર કુટુંબનું ઘર લાગતું હતું. એક ક્ષણ તો તેને થયું કે તે પાછો જાય પણ તેણે અંદર જઈને બેલ મારી. દરવાજો ખોલનાર આર્યા જ હતી. એ એકદમ સાદા ડ્રેસમાં હતી.
‘ઓહ, તમે ? અંદર આવો.’
મિલન અંદર પ્રવેશ્યો. મોટો ડ્રૉઈંગરૂમ આધુનિક રીતે સજાવેલો હતો.
‘શું કામ હતું ?’
‘તમે આવા બંગલામાં રહો છો અને તમારી પાસે આટલો વૈભવ છે તો પછી બારમાં ડાન્સ કેમ કરો છો અને મારી પાસે તે રાત્રે કેમ આવ્યાં ?’
‘ચાલો, આપણે બહાર જઈને વાતો કરીએ.’
બન્ને તે જ બારમાં ગયા અને કૉફીનો ઑર્ડર આપ્યો. વાતો કરી અને એક કલાક પછી છૂટા પડ્યા.
‘આપણે કાલે ફરીથી મળીશું.’ આર્યાએ કહ્યું.
‘શ્યોર, મને આનંદ થશે.’
બીજે દિવસે તેઓ ફરી મળ્યાં અને વાતો કરી. મિલને કહ્યું : ‘તે દિવસે મેં તમારું સરનામું બારમેનેજર પાસેથી મેળવ્યું હતું.’
‘મને ખબર છે. મેં કહ્યું હતું કે તમે સરનામું માંગો તો આપજો.’
‘તમે ?’ મિલન આ યુવતી આર્યાને જોઈ રહ્યો, ‘અહીં આવતાં પહેલાં મેં તમારા કુટુંબ વિષે બધી તપાસ કરી હતી અને હું એક પ્રસ્તાવ મૂકું છું. મેં લગ્ન નથી કર્યાં. સુરતમાં મારી ડાયમંડની મોટી કંપની છે અને કરોડોનો બિઝનેસ કરું છું. તમે મારી સાથે લગ્ન કરશો ?’
‘તમે આ ત્રીસમી વ્યક્તિ છો, જેણે મારી સમક્ષ આવી રીતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હોય અને મેં ના પાડી છે.’
‘પણ કેમ ? હું તો તમારી સાથે લગ્ન કરવા માટે ગંભીર છું.’
‘પણ હું નથી. તમે શું માનો છો ? હું પૈસા માટે કે કોઈ આનંદ માટે આ બારમાં ડાન્સ કરું છું ?’
‘તો પછી ? તમે આમ કેમ કરો છો ?’
‘કારણ કે હું બારગર્લ અને તેઓ પાસે આવતા તમારા જેવા યુવાનોની ઈચ્છાઓ, તૃષ્ણાઓ અને વર્તણૂક વિષે પી.એચ.ડી. કરું છું અને એટલે….’
‘આઈ એમ સૉરી, તેમ છતાં મેં તમારી પાસે કોઈ માંગણી કરી નથી અને હું તો પહેલી નજરે જ તમારા પ્રેમમાં પડી ગયો હતો.’
‘તેથી શું ?’ આર્યાએ ઊભા થતાં કહ્યું, ‘મારે તમારી પાસેથી જે જાણવું હતું તે મળી ગયું છે. હવે આપણે ફરી નહીં મળીએ. બાય.’ અને આર્યાએ ચાલવા માંડ્યું. મિલન આર્યાને જતી જોઈ રહ્યો.

No comments:

Post a Comment

सबसे सच्चा रिश्ता “दोस्ती” - mahant naik

सबसे सच्चा रिश्ता “दोस्ती” “दोस्त वह होता है जो आपके भुतकाल को समझता है। आपके भविष्य पर विश्वास रखता है और आप जैसे हो ...